Thursday 17 January 2013

વચનામૃત 9 : ભગવાન વિના બીજું ન ઇચ્છવાનુ

વચનામૃત 9 : ભગવાન વિના બીજું ન
ઇચ્છવાનું
સંવત 1876ના માગશર સુદિ 12 દ્વાદશીને
દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે
દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને
સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને
પોતાના મુખારવિંદની આગળ
મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણ
ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય
અને તેની ભક્તિ કરતો હોય અને તેનાં દર્શન
કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન
માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે,
‘ગોલોક-વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ
ભગવાનનું તેજોમય રૂપ છે તે મને
જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ
કલ્યાણ થયું નથી.’ એવું જેને અજ્ઞાન હોય,
તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી.
“અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દૃઢ
નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ
પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ
નથી ઇચ્છતો, તેને તો ભગવાન પોતે બલાત્કારે
પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે
અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે.
“માટે જેને ભગવાનને વિષે અનન્ય
નિષ્ઠા હોય, તેને પ્રત્યક્ષ ભગવાન
વિના બીજું કાંઈ ઇચ્છવું નહીં.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥9॥

No comments:

Post a Comment