Thursday 17 January 2013

વચનામૃત 8 : ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું

વચનામૃત 8 : ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન
અને સંતની સેવામાં રાખ્યાનું
સંવત 1876ના માગશર સુદિ 11 એકાદશીને
દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે
દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને
સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને
પોતાના મુખારવિંદની આગળ સાધુ
તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ
ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે
તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત
કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ
થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને
સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું
અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને
કલ્યાણના માર્ગ થકી પડી જાય છે.
“માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું
કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને
ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન
કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ
રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે
એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે
ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે
નિવૃત્તિ પામે છે અને દેહનાં સંબંધીને વિષે જે
મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને
ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને
ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥8॥

No comments:

Post a Comment