Monday 14 January 2013

વચનામૃત 7 : અન્વય-વ્યતિરેકનું

વચનામૃત 7 : અન્વય-વ્યતિરેકનું
સંવત 1876ના માગશર સુદિ 10 દશમીને
દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે
દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને
સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને
પોતાના મુખારવિંદની આગળ સાધુ
તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે
તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે,
માટે એ અધ્યાત્મ-વાર્તા જેમ છે તેમ
યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વ
સાંભળો જે,
“સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે
એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું
અન્વયપણું છે; અને એ ત્રણ દેહથી પૃથક્પણે
સત્તામાત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે.
“તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ
ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે
ઈશ્વરનું અન્વયપણું છે; અને એ ત્રણ
શરીરથી પૃથક્ ને સત્તામાત્રપણે કહેવા તે
ઈશ્વરનું વ્યતિરેકપણું છે.
“તથા માયા અને માયાનાં કાર્ય જે અનંત
કોટિ બ્રહ્માંડ તેને વિષે વ્યાપકપણે જે
અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે;
અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે
અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે.
“તથા અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને
માયાનાં કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે
શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને
નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું
છે; અને એ સર્વથી પૃથક્પણે કરીને
પોતાના ગોલોકધામને વિષે જે બ્રહ્મ-
જ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું તે એ
ભગવાનનું વ્યતિરેકપણું છે.
“અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ,
માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે
અનાદિ છે.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥7॥

No comments:

Post a Comment