Wednesday 30 January 2013

વચનામૃત 22 : સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું

વચનામૃત 22 : સ્મૃતિ વિના ગાયું તે ન
ગાયા જેવું, એકડાનું
સંવત 1876ના પોષ સુદિ 4 ચોથને દિવસ
મધ્યાહ્ન સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે
દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર
ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન
હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં ને
પાઘને વિષે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે
કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને
કંઠમાં ગુલદાવદીનાં પુષ્પનો હાર
પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે
વિરાજતા હતા અને
પોતાના મુખારવિંદની આગળ પરમહંસ
તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એક
વાત કરીએ.”
ત્યારે સર્વ પરમહંસ ગાવવું રાખીને વાત
સાંભળવા તત્પર થયા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૃદંગ,
સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાદિત્ર
વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે
જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન
ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને
તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિત્ર
વજાડે છે પણ તેણે કરીને
તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે
ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટન કરવું
તથા નારાયણધૂન્ય કરવી ઇત્યાદિક જે જે કરવું
તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું.
“અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને
વિષે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠીને
બીજી ક્રિયાને કરે ત્યારે
જો ભગવાનમાં વૃત્તિ ન રાખે
તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ
ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે
હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને
વિષે
ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ
કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે
ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને
ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ
કરતે પણ રહે; અને જેને ગાફલાઈ હોય તેને
તો ભજનમાં બેસે ત્યારે પણ
ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન
થઈને
ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ
ભગવાનના ભક્તને કરવો.”
એટલી વાત કરીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
“હવે કીર્તન ગાવો.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥22॥

No comments:

Post a Comment