Sunday, 13 January, 2013

વચનામૃત 2 : ત્રણ પ્રકારના વૈરાગ્ય

વચનામૃત 2 : ત્રણ પ્રકારના વૈરાગ્યનું
સંવત 1876ના માગશર સુદિ 5 પંચમીને દિવસ
શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે
દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે
વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ
કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ
સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી.
પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે
પ્રશ્ન પૂછ્યું જે, “હે મહારાજ ! ઉત્તમ,
મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે
વૈરાગ્ય તેનાં શાં લક્ષણ છે તે કહો.”
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તમ
વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ
કરીને અથવા પોતાનાં પ્રારબ્ધકર્મ વશે કરીને
વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનક
રાજાની પેઠે લોપાય નહીં. અને શબ્દ, સ્પર્શ,
રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ
વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત
થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ
થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે
નહીં અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે
વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને
વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર
અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે.
અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે
તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે
નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ.
“અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ
એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ
તેમાં આસક્ત ન થાય; અને જો દેશ, કાળ, સંગ
કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ
જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ
વૈરાગ્યવાળો કહીએ.
“અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને
સામાન્ય અને દોષે યુક્ત એવા પંચવિષય
જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન
બંધાય, અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય
અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ
વૈરાગ્યવાળો કહીએ.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥2॥

No comments:

Post a Comment