Sunday 13 January 2013

વચનામૃત 1 : અખંડ વૃત્તિનું

વચનામૃત–1 : અખંડ વૃત્તિનું
સંવત 1876ના માગશર સુદિ 4 ચતુર્થીને
દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે
દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને
વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ
શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને
પોતાના મુખારવિંદની આગળ સાધુ
તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને
બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ
સાધનમાં કયું સાધન કઠણ છે?” ત્યારે સર્વ
બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે
પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ
થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“લ્યો અમે ઉત્તર કરીએ જે,
ભગવાનના સ્વરુપમાં મનની અખંડ
વૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી.
અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના
સ્વરુપમાં અખંડ રહે છે તેને
તેથી બીજી અધિક
પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી; કાં જે,
ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય
છે. જેમ ચિંતામણિ કોઇક પુરુષના હાથમાં હોય
તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત
થાય છે; તેમ ભગવાનની મૂર્તિને વિષે
જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ,
ઇશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરુપને
જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે
તથા વૈકુઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક
જે જે ભગવાનનાં ધામ તેને પણ દેખે છે. માટે
ભગવાનના સ્વરુપમાં અખંડ
વૃત્તિ રાખવી તેથી કોઇ કઠણ સાધન પણ
નથી અને તેથી કોઇ મોટી પ્રાપ્તિ પણ
નથી.”
ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઇએ
શ્રીજીમહારજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જે,
“જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું
છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“ભગવાનનો ભક્ત હોય તેને
ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ
આડું આવીને આવરણ કરે તેને માયા કહીયે.”
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે,
“ભગવાનનો ભક્ત જ્યરે પંચભૂતના દેહને
મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે
કેવા દેહને પામે છે ?” ત્યારે શ્રીજીમહારાજ
બોલ્યા જે, “ધર્મકુળને આશ્રિત એવો જે
ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ
કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે
દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે
ત્યારે કોઇક તો ગરુડ ઉપર બેસીને જાય છે
અને કોઇક તો રથ ઉપર બેસીને જાય છે અને
કોઇક તો વિમાન ઉપર બેસીને જાય છે.
એવી રીતે ભગવાનના ભક્ત
ભગવાનના ધામમાં જાય છે, તેને
યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”
પછી હરિભક્ત ઠક્કર હરજીએ
શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કેટલાક
તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ
તેને જેવી પોતાન દેહ અને દેહના સંબંધીને
વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ
પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ?”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને
ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ
જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે
કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ
જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાન
સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે
સ્વભાવને મૂકી શકતો નથી અને તે
વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે.
તે પાપે કરીને સત્સંગમાં ગાઢ
પ્રીતિ થાતી નથી. કાં જે, અન્ય સ્થળને
વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને
જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ
તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઇ
સાધને કરીને ટળતાં નથી. તે શાસ્ત્રમાં કહ્યું
છે જે, ‘અન્યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે
વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતં પાપં
વજ્રલેપો ભવિષ્યતિ ॥‘ તે માટે
સંતનો અવગુણ જો ન લે તો એને
સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ 1 ॥

No comments:

Post a Comment